LIT LIT
વિશ્વ માતૃભાષા દિવસ – આપણી ભાષા, આપણું ગૌરવ
Updated: Sep 6, 2021
ઝરે, ને સરવાણી થઈ સરે; ટીપે ટીપે શ્રવણ કરે બાળ એ કુખે,
ઠરે, ને વાણી મીઠી તે પ્રસરે; ધીમે ધીમે ઉચ્ચારણ કરે સ્વમુખે.
જે જે વણાઈ છે વાણી હૈયે, તે ભાવ ભીનો રે અભિવ્યક્ત કરે,
એમ કેમ હણી તું માતૃવાણીને, ભાવ અન્ય ભાષાએ વ્યક્ત કરે!
જ્યારે મન સોળે કળાએ ખીલ્યું હોય અને પોતાનાં ભાવની અભિવ્યક્તિ કરવી હોય ત્યારે માતૃભાષા થકી નિખાર ઉપજે. આપણે જન્મથી જે ભાષાને સાંભળી છે, તે છે માતૃભાષા. વ્યક્તિ પોતાનાં સંવેદનોને વ્યક્ત કરવા અન્ય ભાષાનો ઉપયોગ કરે ત્યારે મૂંઝવણ અનુભવે પણ ખરો; પરંતુ પોતાની ભાષામાં વ્યક્તિનું સાચું વ્યક્તિત્વ ઉપસી આવે. શિક્ષણ જેવા ક્ષેત્રે પણ માતૃભાષાનાં માધ્યમથી દરેક વિષયનો અભ્યાસ પણ એટલો જ સરળ રહેતો હોય છે. ભારત દેશ વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિથી સભર હોય, સમગ્ર વિશ્વમાં એ વિવિધતામાં એકતા માટે એક શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. પરંતુ, વાસ્તવિક સ્વરૂપમાં, આપણે સમયાંતરે, આપણે આપણા ઉછેરની ભાષાથી મહદઅંશે વેગળા થઈ રહ્યા છીએ. જાણ્યે અજાણ્યે માં ભોમકાની સંસ્કૃતિ, પરંપરા કે માતૃભાષાને અવગણી રહ્યા હોય કે પછી અન્ય ભાષાથી અંજાઈ ગયા હોય તેમ આપણી જીવન શૈલીને આપણે પશ્ચિમી સંસ્કૃતિનાં વાઘા પહેરાવ્યા તો ખરા જ; પરંતુ સાથે સાથે અંગ્રેજી ભાષાપાશમાં ફસાવી પણ દીધી છે.
વ્યક્તિ કે સમાજ કાળ ક્રમે માતૃભાષાનું મહત્વ વિસરવા લાગ્યો. કોઈ અન્ય ભાષા માતૃભાષાથી વિશેષ સ્થાન કઇ રીતે લઇ શકે? અન્ય ભાષામાં અભિવ્યક્તિ કે શિક્ષણ સર્વ કળા કે સર્વ ગુણ ની ઝાંખી કઈ રીતે કરી શકે? સો વાતની એક વાત, માતૃભાષાનું અવમૂલ્યન કરી કે મૃતપાય કરી અન્યભાષાને હવાલે સંપૂર્ણ સંસ્કૃતિને હોમી દેવી એ રાષ્ટ્ભક્તિ કે માતૃભક્તિનો કયો દ્રષ્ટિકોણ છે? ઇતિહાસ સાક્ષી છે કે પોતાની સંસ્કૃતિ, પરંપરા કે ભાષાની અવગણના કે અવહેલના સમયે સમાજની દરેક વ્યક્તિ એક ચળવળ પર નીકળી પડે છે. માં ભોમનું અપમાન કે માતૃભાષાનું અપમાન કેવી રીતે સહી શકાય? આવી જ રીતે, માતૃભાષાનાં અસ્તિત્વ માટે બાંગ્લાદેશવાસીઓ એ ૧૯૫૨માં શરૂ કરેલ ચળવળે સંપૂર્ણ વિશ્વને અચંબિત કરી દીધું. એ લોકો પોતાના તેમજ પોતાની ભાષાનાં અસ્તિત્વ માટે ખરા અર્થમાં જંગે ચડ્યા. ઉર્દુ રાષ્ટ્રીય ભાષા તરીકે જાહેર કરવામાં આવી. બાંગ્લાદેશના લોકોએ પોતાની માતૃભાષા બંગાળી માટે ચળવળ શરૂ કરી. ઘણા લોકો એ શહીદી વહોરી. ૧૭ નવેમ્બર 1999 માં સૌપ્રથમ યુનેસ્કો એ માતૃભાષા દિવસની જાહેરાત કરી. કાળક્રમે, ૨૧ ફેબ્રુઆરી નો દિવસ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. જેનો મુખ્ય હેતુ અનેકવિધ ભાષા અને તેની વિવિધતા પ્રતિ જાગરૂકતા ફેલાવવાનો છે.
તો પછી, માત્ર એક દિવસની ઉજવણીથી માતૃભાષા પ્રત્યે આદર વ્યક્ત કરી માતૃભાષાને માન આપવું પૂરતું નથી. જે ભાષા સંસ્કારનાં સિંચન સમયે હૃદયમાં સ્થાપિત છે તેને મુલવીએ, માણીએ ને માનીએ.
વિશ્વ માતૃભાષા દિવસનાં સૌને અભિવાદન.
કેતન વ્યાસ (સહાયક પ્રાધ્યાપક)
